પચાસેક વર્ષ પહેલાં ઝવેરચંદ મેઘાણીનો ઉલ્લેખ હંમેશાં ‘સ્વર્ગસ્થ મેઘાણી’ તરીકેજ થતો. જ્યાં ને ત્યાં. જ્યારે ને ત્યારે. પરિણામ એ આવ્યું કે ફક્ત ‘સ્વર્ગસ્થ’ બોલાય તો મેઘાણી યાદ આવે ને ફક્ત ‘મેઘાણી’ બોલાય તો સ્વર્ગસ્થ યાદ આવે! ‘ગુજરાતી બચાવો’ની સ્થિતિ અત્યારે કંઇક એવી છેઃ ફક્ત ‘ગુજરાતી’ બોલાય, તો પણ ‘ગુજરાતી બચાવો’ જ સંભળાય છે.ગુજરાતમાં ત્રણ-ચાર દાયકા પહેલાં અંગ્રેજી બચાવવાની સીઝન ચાલતી હતી. શિક્ષણમાં અંગ્રેજી દાખલ કરાવવા માટે બૌદ્ધિકોએ આંદોલન કરવાં પડતાં હતાં અને અદાલતી લડાઇઓ લડવી પડી હતી. હવે ગુજરાતી બચાવવા માટે આંદોલન, ઝુંબેશ, પ્રચાર, જાગૃતિ, પી.આર....બઘું કરવામાં આવે છે. છતાં હજુ સુધી પરિણામ તો દૂર, તેની દિશા સાચી હોવાની પણ એંધાણી મળતી નથી.માતૃભાષા તરીકે ગુજરાતી ખરેખર ખતરામાં છે? એ લુપ્ત થઇ જશે? એને બચાવી શકાય એમ છે? એચર્ચા છેડતાં પહેલાં, અત્યાર સુધી ધૂંટાતી રહેલી ગેરસમજણોને દૂર કરવી રહી.ગેરસમજણ ૧: ભાષા એટલે સાહિત્યબહુમતિ લોકો ભાષાની વાત આવે એટલે ‘આ તો સાહિત્યની વાત છે’ એમ કહીને કપડાં ખંખેરીને ઉભાથઇ જાય છે. ઘણા સાહિત્યકારોને પણ આ સ્થિતિ (પોતાનો ધારી લીધેલો વિશેષાધિકાર) મનોમન ગમે છે. હકીકતે, ભાષાનો સંબંધ કે ભાષાનો ઠેકો સાહિત્યકારો પાસે નથી.સરખામણી કરવી હોય તો કહી શકાય કે, ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.ગેરસમજણ ૨: ભાષાબચાવો એટલે અંગ્રેજીનો વિરોધગુજરાતીની વાત નીકળે એટલે એક મોટું જૂથ તરત આઘુનિક યુગમાં અંગ્રેજી કેટલું જરૂરી છે, અંગ્રેજી જાણનારા કેટલા આગળ નીકળી ગયા ને અંગ્રેજી નહીં જાણનારા કેટલા પાછળ પડી ગયા, તેની કથાઓ શરૂ કરી દે છે. ગુજરાતીની વાત કરનારને એટલું કહેવાની પણ તક નથી મળતી કે ‘જે ભાષામાં- જે માઘ્યમમાં ભણવું હોય તેમાં ભણો, પણ માતૃભાષાને અભરાઇએ ચડાવવાની કે તેનાથી શરમ અનુભવવાની શી જરૂર છે?’અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો? મોટી ઊંમરનાં દાદા-દાદી કે નાની ઊંમરનાં માતા-પિતાનેઈંગ્લીશ મિડીયમનાં બાળકો સાથે ભાંગ્યાતૂટ્યા કે લધુતાગ્રંથિગ્રસ્ત ઈંગ્લીશમાં વાતો કરતાં સાંભળવાં, એ બહુ કરૂણ દૃશ્ય હોય છે. વડીલો પોતાની ગરજે બાળકો સાથે અંગ્રેજીમાં સંવાદનો પ્રયાસ કરે અને બાળકોની કસોટીમાં નાપાસ થાય, એ કરૂણ દૃશ્ય સામાન્ય બનતું જાય છે.ગેરસમજણ ૩: જમાના પ્રમાણે પરિવર્તન એટલે ગુજલિશ‘ટેબલ’ને ‘મેજ’ અને ‘ટ્રેન’ ને ‘આગગાડી’ કહેવાની- ટૂંકમાં, ભદ્રંભદ્ર બનવાની - વાત નથી. સાર્થ જોડણી કોશમાં અંગ્રેજી કે ઉર્દુ તો ઠીક, અલમારી અને ઇસ્કોતરો જેવા પોર્ટુગીઝ ભાષાના શબ્દો પણ ગુજરાતી તરીકે સ્થાન પામ્યા છે. ભાષા એના સહજ ક્રમમાં અને જરૂરિયાત પ્રમાણે બીજા શબ્દોને સમાવતી રહે છે. એ જ રીતે ભાષા સમૃદ્ધ બને છે. પરંતુ અભિવ્યક્તિ માટે પોતાની ભાષામાં સચોટ, સબળ છતાં ભદ્રંભદ્રીય નહીં એવા શબ્દો હાથવગા હોમી છતાં, આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.વિસ્તાર અને વિકૃતિ વચ્ચેનો ભેદ ન સમજતા કે ન સમજવા માગતા લોકો આયાસપૂર્વક લખેલી ગુજલિશથી ગુજરાતી ભાષાના ચીરહરણનું દુઃશાસનકાર્ય કરે છે અથવા અનાયાસે-સહજતાથી લખેલી ગુજલિશથી ગુજરાતી ભાષામાં લખવાની પોતાની ગેરલાયકાત છતી કરે છે. છતાં, લખાણમાં અંગ્રેજીશબ્દો ન જ આવવા જોઇએ, એવો ભદ્રંભદ્રીય આગ્રહ જેટલો હાસ્યાસ્પદ લાગે છે, એટલું હાસ્યાસ્પદ ‘ગુજલિશ ખાતર ગુજલિશ’ લાગતું નથી. કારણ કે તેમાં લખનારની જેમ વાંચનારના પક્ષે પણ ‘ક્યાંક આઘુનિકતાની ટ્રેન ચૂકી ન જવાય!’- એવી માનસિકતા કામ કરતી હોય છે. આઘુનિકતાને માત્ર ભાષા સાથે સંબંધ નથી હોતો, એ સીઘુંસાદું સત્ય સૌ પોતપોતાના લાભાર્થે જાહેર થવા દેતા નથી.ચેતન ભગત ગુજરાતીમાં લખતા હોત તો?કેટલાક મિત્રો એવું માને છે કે ગુજરાતીમાં કોઇ ચેતન ભગત જેવું લખતું નથી, એટલે યુવાનો ગુજરાતીમાં વાંચતા નથી. આવું માનનારા સ્વાભાવિક રીતે જ ચેતનના ભગત હોય છે. ભગતની ભક્તિસ્વૈચ્છિક અને અંગત પસંદગીની બાબત છે, પણ તેને એક મૂલ્ય તરીકે- ગુણવત્તાના માપદંડ તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ હાસ્યાસ્પદ છે. ચેતન ભગતના ચાહકોએ એટલો ભેદ તો પાડવો રહ્યો કે ચેતન ભગતના કારણે અંગ્રેજી નહીં, પણ અંગ્રેજીના કારણે ચેતન ભગત આટલા સફળ છે. ચેતન અત્યારે જે લખે છે, એવું જ જો ગુજરાતીમાં લખતા હોત તો? બહુ સંભવ છે કે તેમના ઘણાગુજરાતી ભક્તો ખડી પડ્યા હોત.